gujarati news

1 સપ્ટેમ્બરથી તબક્કાવાર શાળાઓ શરૂ કરાય તેવી કવાયત

કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણ મધ્યે કેન્દ્ર સરકાર શાળાઓ ફરી શરૂ કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. આ માટે કેન્દ્ર સરકારે ૧ સપ્ટેમ્બરથી ૧૪ નવેમ્બર વચ્ચે તબક્કાવાર રીતે શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો શરૂ કરવાની યોજના તૈયાર કરી છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધનના નેતૃત્વમાં કોવિડ-૧૯ મેનેજમેન્ટ પરની મંત્રીઓની સમિતિ સાથે સંકળાયેલા સચિવોની સમિતિ દ્વારા આ યોજના પર વ્યાપક ચર્ચા કરી લેવામાં આવી છે. ૩૧મી ઓગસ્ટના રોજ અનલોક ૩.૦ સમાપ્ત થયા પછી બાકીની પ્રવૃત્તિઓ ખુલ્લી મૂકવા માટે રાજ્યો માટે જારી કરનારી અંતિમ અનલોક ગાઇડલાઇનમાં શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો શરૂ કરવાની જાહેરાત આવે તેવી સંભાવના છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને કેવી રીતે બોલાવવા તે અંગેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારો પર છોડાશે.

શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો ખોલવા માટે સરકાર દ્વારા વિગતવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કરવામાં આવશે. જુલાઇ મહિનામાં શાળા શિક્ષણ વિભાગ દ્વારા આ માટે એક સર્વે હાથ ધરાયો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, વાલીઓ હજુ તેમના બાળકોે શાળામાં મોકલવા ઇચ્છતા નથી. રાજ્ય સરકારોએ જણાવ્યું હતું કે, આર્થિક રીતે પછાત વર્ગોના વિદ્યાર્થીઓને વધુ નુકસાન થઇ રહ્યું છે. ચર્ચામાં ભાગ લેનારા એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોનાનું ઓછું સંક્રમણ ધરાવતા રાજ્યો મોટા ધોરણોના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવા ઉત્સુક છે. આ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલી ગાઇડલાઇનમાં શાળાઓને તબક્કાવાર રીતે ખોલવાની ભલામણ કરાઇ છે.

શાળાઓ ખોલવાની સરકારની પ્રસ્તાવિત યોજના

  1. ૧ સપ્ટેમ્બરથી ધોરણ ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલાશે
  2. પહેલા ૧૫ દિવસ ધોરણ ૧૦થી ૧૨ના વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવશે
  3. બીજા તબક્કામાં ધોરણ ૬ થી ૯ના વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે
  4. તમામ શાળા ૮ થી ૧૧ અને ૧૨ થી ૩ની શિફ્ટમાં ચલાવવાની રહેશે
  5. તે દરમિયાન સેનિટાઇઝેશન માટે એક કલાકની રિસેસ આપવાની રહેશે
  6. જે તે ધોરણના ૫૦ ટકા વર્ગના ૫૦ ટકા વિદ્યાર્થીઓને ચોક્કસ દિવસોમાં બોલાવી શકાશે
  7. ૩૩% સ્ટાફ અને વિદ્યાર્થીઓને બોલાવવાની સલાહ આપવામાં આવે તેવી સંભાવના
  8. પ્રિ-પ્રાઇમરી અને પ્રાઇમરીના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવાશે નહીં
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top