gujarati news

ભારતમાં ઓક્સફોર્ડની કોરોના વેક્સિન માત્ર 225 રૂપિયામાં મળી શકશે તેવો દાવો

ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં હવે ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને દૈનિક સંક્રમિતોની સંખ્યા મામલે ભારત ટોચ પર આવી ગયું છે. આ સંજોગોમાં લોકો હવે કોરોના વેક્સિનની ટ્રાયલના પરિણામની આશા રાખીને બેઠા છે. આ મામલે લોકોને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન પાસેથી સૌથી વધારે આશા છે જેની હ્યુમન ટ્રાયલ અંતિમ તબક્કામાં છે.

એક અહેવાલ પ્રમાણે ભારતમાં ગરીબો અને મધ્યમ વર્ગીય પરિવારોને આ વેક્સિન માત્ર 225 રૂપિયામાં જ મળી શકે છે. વિશ્વમાં કોરોના વેક્સિન વિકસિત કરવામાં જે કંપનીઓ અને દેશ સૌથી આગળ છે તેમાં અમેરિકાની મોડર્ના, રૂસ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રમુખ છે. વેક્સિનનું ઉત્પાદન કરતી વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં સામેલ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા પણ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત થઈ રહેલી કોરોના વેક્સિનમાં પાર્ટનર છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત થઈ રહેલી કોરોના વેક્સિનના સફળ ટ્રાયલ બાદ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા ભારતમાં તેનું મોટા પાયે ઉત્પાદન કરશે. આ કંપનીના સીઈઓ અદર પૂનાવાલાએ થોડા દિવસો પહેલા ભારતમાં આ વેક્સિન કોવિશીલ્ડ નામથી વેચવામાં આવશે અને તેની કિંમત 1,000 રૂપિયા સુધીની હોઈ શકે છે તેમ જણાવ્યું હતું.

જો કે એક અહેવાલ પ્રમાણે સીરમ કંપની ભારતમાં કોરોના વેક્સિન માત્ર 225 રૂપિયામાં જ વેચશે તેવો દાવો કરવામાં આવ્યો છે. સુરક્ષા મંજૂરી મળ્યા બાદ નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા કોવિડ-19 વેક્સિન માત્ર 3 ડોલર એટલે કે આશરે 225 રૂપિયામાં વેચવામાં આવે તેવી શક્યતા છે.

કંપની આટલી સસ્તી કિંમતે વેક્સિન કઈ રીતે ઉપલબ્ધ કરાવશે તે સવાલ થવો સ્વાભાવિક છે. પરંતુ ગેટ્સ ફાઉન્ડેશન તેનો જવાબ છે કારણ કે તે વેક્સિનનું ઉત્પાદન કરતી કંપનીઓને આશરે 150 મિલિયન ડોલરનું રિસ્ક ફંડ આપી રહ્યું છે. આ પૈસા વડે સીરમ કંપનીને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ જણાવ્યું કે, ‘વાયરસના વ્યાપક પ્રસારે સમગ્ર વિશ્વને અનિશ્ચિતતામાં મુકી દીધું છે. સમગ્ર વિશ્વમાં રસીકરણ અને મહામારીને રોકવા માટે વિશ્વના સૌથી આંતરિયાળ અને ગરીબ દેશોમાં પણ સસ્તી સારવાર અને નિવારણ માટેના ઉપાયો પહોંચે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે. આ અસોશિએશનના માધ્યમથી અમે લાખો લોકોના જીવનને આ ભયાનક બીમારીથી બચાવવા નિરંતર પ્રયત્નો કરવા ઈચ્છીએ છીએ.’

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિનને ગત સપ્તાહે ભારતમાં બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી હતી. ભારતમાં નોવાક્સિનના પરીક્ષણ માટે હજુ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

News Publisher

Copyright © 2020 Trends Free

To Top